Related Posts Plugin for WordPress, Blogger...

Download 1 to 12

Download 1 to 12

ચાલતી પટ્ટી

"sayari ni ramjat and Kavita ni sarvadi no aanand made by wallpapers by mv ""

18 May 2017

લગ્નની વિવિધ વિધિઓ

💑💑   *લગ્ન વિધી ... લગ્ન વિધી*     💑💑

✍... લગ્નની મોસમ પૂરબહારમાં ખીલી છે. આવા સમયે લગ્નમાં થતી વિધિ બધા જ જોતા હોય છે.
પણ આજના ઝડપી યુગમાં કઈ વિધિનું શું મહત્વ છે તે સમજવું જોઈએ.
આ લેખ દ્વારા લગ્નની વિવિધ વિધિઓ પર પ્રકાશ પાડ્યો છે.

લગ્ન પ્રસંગે થતી વિવિધ વિધિઓ આપણે નિહાળીયે છીએ પણ તે બધાનો શું અર્થ હોય છે તે જાણવું ૫ણ જરૂરી છે.
વરરાજા જ્યારે પરણવા આવે ત્યારે તેમને પોંખવામાં આવે છે. આ વખતે લાકડાના બનાવેલો નાનો રવઈયો, મુશળ ધુંસરી, તરાક વરરાજાના માથેથી ઉતારે છે અને પગથી કોડિયું ભંગાવી પ્રવેશ કરાવે છે આનો શું હેતુ છે ? શું રહસ્ય છે ?
તેમજ બીજી વિધિઓનો શું અર્થ હોય છે ?
તે વિશે વિચાર કરીએ.

*લગ્ન* : બે વિજાતીય દેહનું જોડાણ તેનું નામ લગ્ન પણ તેનો ખરો અર્થ તો એવો છે કે બે દેહ દ્વારા બે મન એક કરવા, એનાથી પ્રેમ પ્રગટે, આત્મીયતા વધે અને અંદરના આંતરિક સૌંદર્યને જોઈ સુખનો અનુભવ થાય એ જ ખરું લગ્ન છે.

*વરઘોડો* : ઈન્દ્રિયોના ઘોડાને અંકુશમાં રાખવા માટેની ચેતવણીનું આ પ્રથમ પગલું છે.

*પોંખણું :* વરરાજા પરણવા આવે ત્યારે તેમને લાકડાના બનાવેલા નાના રવઈયો, મુશળ, ધુંસરી અને તરાકથી સાસુ પોંખેં છે તેનો અર્થ જોઇએ..

*રવઈયો :* માખણ કાઢવા માટે જેમ દહીંને રવૈયાથી વલોવવામાં આવે તેમ જીવનને પ્રેમમય બનાવવા માટે મનના તરંગોનું મંથન કરીને પ્રેમનું દોહન કરવા જણાવે છે.

*મુશળ :* અતિ વાસનાઓને મુશળ (સાંબેલા)થી ખાંડી નાખી પ્રેમ પ્રગટાવવાનો છે.

*ઘુંસરી :* સંસાર રૂપી રથના પતિ પત્ની રૂપી બે ચાલકો છે, આ બંને ચાલકો શીલ અને સંયમના ચીલામાં સમાંતર રૂપે ચાલીને જીવન રથને સહકાર અને પ્રેમથી ખેંચે તો જ સુખી થવાય છે તેમ કહેવા માગે છે.

*તરાક :* લગ્ન જીવન રેટિંયા જેવું છે.પતિ પત્ની રૂપી બે ચક્રને પ્રેમની દોરી વડે આ તરાક (ચાક)ને બંધાયેલા અને ફરતા રાખે તો જ સ્નેહરૂપી સુતર નીકળે એમ કહેવાનો ભાવ છે. આમ પોંખવા આવનાર સાસુ વરને માંયરામાં આવતા પહેલા સાવધાન કરે છે એનો જવાબ વર સંપુટ તોડીને આપે છે.

*સંપુટ :* વરને પોંખી લીધા પછી બે કોડિયાના સંપુટને પગ તળે ભાંગીને વર માંયરામાં પ્રવેશે છે. આનાથી વર એમ કહેવા માંગે છે કે તમારી ચેતવણી હું સમજ્યો છું પણ મારા એકલાની આશા, ઈચ્છા, અરમાનો પર હું હવે નહિ ચાલું. એનો અહીં ભાંગીને ભુક્કો કરું છું હવેથી અમારા બંનેની આશા, ઈચ્છા અને અરમાનો એક હશે તે પ્રમાણે જ જીવન યાત્રા કરીશું.

*વરમાળા :* ફૂલના હારથી વરકન્યા અરસ પરસનું સ્વાગત કરે છે પણ ગોરબાપા સુતરની એક આંટી બંનેના ગળામાં પહેરાવે છે. આમ એક જ હારથી બંનેના હૈયા એક કરવાનો પ્રયાસ છે.

*હસ્તમેળાપ :* લગ્ન વિધિનું આ મુખ્ય અંગ છે. પોતાની પુત્રીનો હાથ મા-બાપ વરરાજાને સોંપે છે અને વરરાજા તેનો સ્વીકાર (ગ્રહણ) કરે છે. આ વિધિને પાણિગ્રહણ ૫ણ કહે છે અને એથી થતો હસ્તમેળાપ હૈયા મેળાપ બની જાય છે. આ વિધિથી વરઘોડિયાના દેહમાં ઝણઝણાટી જાગે છે અને હૈયામાં આત્મીયતા પ્રગટે છે. સાથો સાથ જાનૈયા માંડવિયાના મન પણ આનંદ અને ઉલ્લાસથી નાચી ઉઠે છે.

*મંગળ ફેરા :* લગ્નના ચાર ફેરા એ ચાર પુરૂષાર્થના ફેરા છે : ધર્મ, અર્થ કામ અને મોક્ષ.. એ ધર્મ શાસ્ત્રોનું પણ ચિંતન છે. ચાર ફેરા ફરવામાં પ્રથમના ત્રણ ફેરામાં પુરૂષ આગળ હોય છે અને ચોથા ફેરામાં સ્ત્રી આગળ હોય છે. આમ કેમ ? પ્રથમ ત્રણ ફેરાના ત્રણ પુરૂષાર્થ
(૧) ધર્મ-ધર્મ પાળવો અને પળાવવો.
(૨) અર્થ-ગૃહસ્થ જીવન ચલાવવા ધન કમાવું.
(૩) કામ-લગ્ન જીવનના સંયમપૂર્વકના હક્કો. આ ત્રણેમાં પુરૂષ આગળ હોય છે અને તેને પત્ની અનુસરે છે. થોડાં વિસ્તારથી સમજીએ તો

(૧) *ધર્મ* : સ્ત્રીના પિયરમાં ગમે તે ધર્મ પળાતો હોય પણ પરણ્યા પછી પતિ જે ધર્મ પાળતો હોય તેને જ સ્ત્રી અનુસરે છે અને બીજા ધર્મો, પતિ પ્રત્યેના ધર્મો, કુટુંબ પ્રત્યેના ધર્મો, ઘરના વડીલો પ્રત્યેના ધર્મો, સંતાનો પ્રત્યેના ધર્મો, સગાં સબંધી અને સમાજ પ્રત્યેના ધર્મો… વગેરે ધર્મો પણ પતિની મરજી અનુસાર પાળવાના છે.
(૨) *અર્થ* :પતિ કમાઈને પૈસા લાવે તેનાથી ઘરનું, કુટુંબનું પોષણ કરે છે. સ્ત્રી લક્ષ્મી કહેવાય છે. ઘરની લક્ષ્મી પણ આપણે કહીએ છીએ.
(૩) *કામ* : સ્ત્રી એ લજ્જાનું પ્રતીક છે. લગ્ન જીવન માટે વંશવૃદ્ધિ માટે એ હંમેશા પતિની પાછળ જ રહે છે. આ ત્રણેય… ધર્મ, અર્થ અને કામ એ પતિ પત્નીની ઈચ્છાનુસાર થઈ શક્તા પુરૂષાર્થો છે. જ્યારે ચોથો ફેરો
(૪) *મોક્ષ*… એ કોઈની ઈચ્છાનુસાર મળતો નથી. એ તો ધર્મોના નિયમ પાલન અને સેવા શુશ્રૂષાથી જ મળે છે અને એમાં સ્ત્રી હંમેશા આગળ હોય છે. સહનશક્તિ, સદાચાર, શીલ વગેરે ગુણો સ્ત્રીઓમાં સ્વાભાવિક હોય છે. પતિ, સાસુ, સસરા, વડીલો પ્રત્યેનો આદર, સેવા, સમભાવ, નોકરો, ગરીબો પ્રત્યે કરૂણા તથા સંતાનો પ્રત્યે સમતા, મમતા – આ બધા ગુણોનો સમન્વય એટલે સ્ત્રી અને એથી જ એના આવા ગુણોને લીધે જ તે મોક્ષના માર્ગ પર પુરૂષ કરતા આગળ છે અને એટલે જ લગ્નના ચોથા ફેરામાં સ્ત્રી આગળ હોય છે.

*મંગલાષ્ટક :* લગ્નવિધિ પૂરી થતાં બ્રાહ્મણ નવદંપતીને આશીર્વાદ આપતા શ્લોકો બોલે છે અને આઠ અષ્ટકો દ્વારા તેમનું દાંપત્ય જીવન સરળ, સફળ અને પ્રસન્ન નીવડે એવી મંગળ કામનાઓનો આશીર્વાદ આપે છે.

*રામ દીવડો :* કન્યા વિદાય વખતે કન્યાની માતા પ્રગટાવેલ દીવડો હાથમાં લઈને વિદાય આપવા આવે છે આનાથી એ એમ કહેવા માંગે છે કે હે દીકરી ! તેં તારી સેવા, શુશ્રૂષા અને સદ્‍ગુણોથી જેમ તારા પિતાનું ઘર અજવાળ્યું છે તેમ જ તું તે સંસ્કારોથી તારા પતિના ઘરને પણ અજવાળજે.

*મા માટલું :* માતાનો પ્રેમ, માતાની મમતા, માતાનો જીવ અજોડ છે. તેના સાગર જેવડા પ્રેમ અને શુભેચ્છાઓના પ્રતીકરૂપે ધન, ધાન્ય, ફળ, મેવા, મીઠાઈને માટલામાં ભરે છે. આમાં ધન એટલે લક્ષ્મી સ્વરૂપે સવા રૂપિયો, ધાન્યના પ્રતીકરૂપે મગ, ફળના પ્રતીકરૂપે સોપારી, મેવાના પ્રતીકરૂપે ખારેક અને મીઠાઈના પ્રતીકરૂપે સુખડી અને તે સિવાય ઘણી મીઠાઈઓ વગેરે પણ મુકાય છે. રિદ્ધિ સિદ્ધિના પ્રતીકરૂપે નાની મોટી શુકનવંતી ચીજો શુભ ચોઘડિયે ભરવામાં આવે છે અને દીકરીને ઘેર સદાય લીલા લહેર રહે તેવી શુભ કામનાના પ્રતીકરૂપે મા માટલાનું મોઢું ઢાંકવાનું વસ્ત્ર લીલા રંગનું હોય છે અને સગાંના સંબંધો કાચા સુતરના તાંતણા જેવા હોય છે તે સહનશીલતાથી, સજ્જનતાથી અને સુવ્યવહારથી અતૂટ રહે અને વ્યવહારના કામો સાંગોપાંગ પાર ઉતરે એના પ્રતીકરૂપે કાચા સુતરનો દડો મા માટલા ઉપર મૂકવામાં આવે છે.

*સપ્તપદી :* આ શ્લોકો બ્રાહ્મણ બોલતા હોય છે, એના દ્વારા વર કન્યા અરસપરસ સાત પ્રતિજ્ઞાઓ લે છે અને એક બીજાને વફાદાર તેમજ સહાયભૂત થવાના વચન અપાય છે.

*સપ્તપદીના સાત વચનો* –
લગ્ન તો જીવનભર સાથ નિભાવવા માટેનું વ્રત છે અને તે માટેની સંપૂર્ણ કટિબદ્ધતા કે પ્રતિજ્ઞાઓનું પ્રતીક છે… સપ્‍તપદી
જેમાં કન્‍યા દ્વારા વિવિધ પ્રતિજ્ઞાઓ
 *પ્રથમ પ્રતિજ્ઞા* માં વધુ આભારવશ ભાવે તેના પતિને જણાવે છે કે ગત જન્મમાં પોતે કરેલા અસંખ્‍ય પુણ્યોને કારણે તેને તેઓ પતિના રૂપમાં પ્રાપ્‍ત થયા છે. આ પ્રતિજ્ઞા દ્વારા વધુ પોતાના પતિને સર્વસ્‍વ ગણે છે અને આ સૌભાગ્‍યના પ્રતીક પોતાના કપાળે ચાંલ્‍લો કરવાનું શરૂ કરે છે.

*બીજી પ્રતિજ્ઞા* માં વધુ પોતાના પતિના બાળકથી માંડીને અબાલવૃદ્ધ સહિત સંપૂર્ણ પરિવારના લાલનપાલનની ખાત્રી આપે છે, તેમજ ઉપલબ્‍ધ સાધન સંપન્‍નતાથી સંતોષ રાખવાનું વચન આપે છે. અહી પરિવારના દરેક સભ્‍યોને પ્રેમ, લાગણી અને સેવાભાવથી પોતાના બનાવવાની વાત કરી છે. તદ્ઉપરાંત તેને જે સુખ મળે તેનાથી સંતોષ પામશે એટલે કે તે ખોટો અસંતોષ નહિ રાખે, જેનાથી વધુ આર્થિક ઉપાર્જન માટે તેનો પતિ ખોટા માર્ગો અપનાવે જે સરવાળે સમગ્ર પરિવારને નુકશાનકર્તા નીવડે.

*ત્રીજી પ્રતિજ્ઞા* માં કન્‍યા તેના પતિની આમન્‍યા જાળવવાની તેમજ તેમના માટે ભોજન તૈયાર કરી આપવાનું વચન આપે છે. ભોજન તો હોટલમાં પણ જમી શકાય છે અથવા તો ત્‍યાંથી ઘરે લાવીને પણ જમી શકાય છે, પરંતુ ઘેર પત્ની દ્વારા પ્રેમપૂર્વક તૈયાર કરવામાં આવેલ ભોજનની મજા કંઇક જુદી જ હોય છે.

*ચોથી પ્રતિજ્ઞા* માં વધુ સારા શણગાર-શૃંગાર સજી મન, ભાવ, વિચારવાણી, શરીર તેમજ કાર્યથી પોતાના પતિને સહકાર આપવાની વાત કરે છે. શરીરની સ્‍વચ્‍છતા શણગાર-શૃંગાર વગેરે સ્‍ત્રીના વ્‍યક્તિત્‍વને ભવ્‍યતા બક્ષે છે. આથી સ્‍ત્રી તેના પતિનું આકર્ષણનું કેન્‍દ્બ પણ બની રહે છે. અહીં પત્ની બનવાથી તેણે પ્રિયતમા તરીકેની ભૂમિકા ભૂલી નહિ જાય તેમ તેના પતિને ખાત્રી આપે છે.

*પાંચમી પ્રતિજ્ઞા* માં કન્‍યા પોતાના પતિને વચન આપે છે કે તે સુખના સમયે આનંદમાં તો રહેશે પરંતુ દુઃખના સમયમાં પોતાની ધીરજ કે સહનશીલતા ગુમાવશે નહિ તેમજ પોતાના પતિના સુખ અને દુઃખમાં ભાગીદાર બનશે તેમજ કયારેય પણ પરાયા પુરૂષનો સાથ નિભાવશે નહિ તેવી પણ ખાત્રી આપે છે.

*છઠ્ઠી પ્રતિજ્ઞા* મા વચનમાં વધુ તેના પતિને કહે છે કે તે પોતાના પતિના ઘરના તમામ કાર્યો આનંદપૂર્વક કરશે તેમજ પતિના માતા-પિતાની સેવા કરશે તેમજ અન્‍ય સગાં સબંધીઓને આદર સત્કાર કરશે. પતિ જયાં રહેશે તેની સાથે પોતે પણ ત્યાં રહેશે તેમજ પતિને કોઈપણ પ્રકારે ન છેતરવાની તેમજ પોતે પણ તેનાથી નહિ છેતરાય તેવું વચન આપે છે. આ પ્રતિજ્ઞામાં માત્ર તેના પતિ પ્રત્‍યેની જ નહી, પરંતુ તેના સાસુ-સસરા તેમજ સમગ્ર સગાં વહાલાં પ્રત્‍યેની ફરજની કટિબધ્ધતા દર્શાવવામાં આવી છે.

*સાતમી પ્રતિજ્ઞા*અને છેલ્‍લી પ્રતિજ્ઞામાં કન્‍યા તેના પતિને તમામ પ્રકારના યજ્ઞ વિષયક કાર્યોમાં સહાય તદ્ઉપરાંત ધા‍ર્મિક, આર્થિક તેમજ કામ વિષયક કર્મોમાં પણ પતિ કહે તેમ વર્તવાની ખાત્રી આપે છે.
અગાઉની પ્રતિજ્ઞાઓમાં પત્ની દરેક રીતે પતિનો સાથ નિભાવવાનું વચન આપે છે,
પરંતુ અહીં ધાર્મિક કાર્યોમાં પણ જોડાજોડ રહેલાની ખાત્રી આપે છે.

 આમ,સપ્‍તપદીમાં કન્‍યા દ્વારા લેવાતી પ્રતિજ્ઞા સાંસારીક જીવનને અલૌકિક જીવનમાં પરિવર્તિત કરવાની ખાત્રી આપે છે.

શાસ્ત્રોક્ત રીતે સપ્તપદીની વિધિ દ્વારા કન્યા દુલ્હારાજાનો પોતાના પતિ તરીકે સ્વીકાર કરે છે.
બીજી રીતે જ્યાં સુધી સપ્તપદીની વિધિ પાર પાડવામાં ન આવે ત્યાં સુધી કન્યાને પરણેતર નહીં પણ કુંવારી જ માનવામાં આવે છે.
લગ્નપ્રસંગ સામાજિક રીતે પરસ્પર એકબીજા સાથે સંબંધ બાંધતા બે પરિવારો માટે એક ઉત્સવ હોય છે.

 વર પક્ષ અને કન્યા પક્ષ એમ બે પરિવારો વચ્ચેના આ નવ સંબંધ દ્વારા એક નવું સામાજિક ઘુ્વીકરણ રચાય છે.
વર-વધૂને માટે તો આ પ્રસંગ મહાઉત્સવ અને નવજીવનના મહાયજ્ઞ સમાન હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો સ્ત્રી અને પુરુષ માટે લગ્ન સંબંધનું જોડાણ એ તેમનો બીજો જન્મ હોય છે.
જેમાં પુરુષે અને સ્ત્રીએ એકબીજાના વ્યક્તિત્વને સમજી જાણીને પરસ્પર પ્રેમ દ્વારા એકમેક પ્રત્યેની ફરજો અને જવાબદારીઓ પાર પાડવાની હોય છે.
આ જવાબદારીઓને આપણા હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં સપ્તપદીની સાત શરતોમાં આવરી લેવાઈ છે. લગ્ન પ્રસંગે હસ્તમેળાપ બાદ વર અને વધૂ પવિત્ર અગ્નિ સમક્ષ સાત ડગલા ચાલીને પરસ્પર પ્રેમ દ્વારા એકબીજા પ્રત્યેની જવાબદારીઓ નિભાવવાના શપથ ગ્રહણ કરે છે.
આ શાસ્ત્રોક્ત વિધિને સપ્તપદી એવું સુંદર નામ આપણા શાસ્ત્રોએ આપ્યું છે. પ્રત્યેક સ્ત્રી અને પુરુષ માટે લગ્ન જોડાણ બાદ સુમેળભર્યા જીવન નિર્વાહ માટે આ વિધિ અત્યંત આવશ્યક છે.

*વિવાહ સંસ્કારથી પવિત્ર વર-વધૂ પોતાના ગૃહસ્થજીવનમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મદત્સર એ ષડ્ રિપુઓને વ્રતાચરણો દ્વારા મહાત કરીને બદલામાં પ્રેમ અને સંતોષ પ્રાપ્ત કરે છે એટલે જ લગ્ન દ્વારા મનુષ્યને ઋણમુક્ત થવાનું ધર્મશાસ્ત્ર સૂચવે છે. આ સંસ્કારનો હેતુ જીવને શુદ્ધ અને પવિત્ર બનાવવાનો છે. સદાચરણ અને સમ્યક્ ચારિત્ર્યથી સંસારને માણીને પુરુષે પોતાની પત્ની સાથે પરમપદને પંથે સંચરવાનું છે.*    


🙏🏻🌹  *શ્રી ગણેશાય નમઃ*  🌹🙏🏻